વચનામૃત વરતાલનું - ૧૩
સંવત ૧૮૮૨ના પોષ વદિ ૭ સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષની તળે પાટ ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને કંઠને વિષે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા અને હસ્તકમળે કરીને એક દાડમનું ફળ ઉછાળતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજીમહારાજને ઉપર સોનાને ઈંડાએ સહિત છત્ર વિરાજમાન હતું એવી શોભાને ધરતા થકા શ્રીજીમહારાજ વિરાજમાન હતા.
તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર શ્રીજીમહારાજ પાસે આવ્યા હતા તેણે પૂછ્યું જે, (૧) હે મહારાજ ! આ સમાધિ તે કેમ થાતી હશે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે, તે ભગવાન જ્યારે રાજા રૂપે હોય ત્યારે તો ઓગણચાળીશ લક્ષણે યુક્ત હોય, અને દત્ત-કપિલ જેવા સાધુ રૂપે હોય ત્યારે બત્રીશ લક્ષણે યુક્ત હોય, તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય પણ અતિશે અલૌકિક મૂર્તિ છે, જેમ પૃથ્વીને વિષે સર્વે પથરા છે તેમ ચમકપાણ પણ પથરો છે, પણ ચમકપાણમાં સહેજે એવો ચમત્કાર રહ્યો છે જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા સાથે તણાઈ જાય છે, તેમ ભગવાનની જે મૂર્તિ રાજા રૂપે છે ને સાધુ રૂપે છે તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે તેનાં ઇન્દ્રિયો ભગવાન સામાં તણાઈ જાય છે, ત્યારે સમાધિ થાય છે, જેમ શ્રીકૃષ્ણ ભગવાનનું દર્શન કરીને ગોકુળવાસી સર્વેને સમાધિ થઈ હતી, ને ભગવાને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડ્યું હતું. તેવી રીતે જે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે તે સમયમાં ભગવાનની મૂર્તિને વિષે એવો ચમત્કાર જરૂર હોય, તે જે શ્રદ્ધાએ યુક્ત ભગવાનનાં દર્શન કરે તેનાં ઇન્દ્રિયો સર્વે ભગવાન સામાં તણાઈ જાય, અને તત્કાળ સમાધિ થાય, અને કોઈક સમયમાં ભગવાનને ઘણાક જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે તો અભક્ત જીવ હોય અથવા પશુ હોય તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે, તો ભગવાનના ભક્તને થાય એમાં શું આશ્ચર્ય છે ? (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) બ્રહ્મ છે તે તો સર્વત્ર વ્યાપક છે એમ સર્વે કહે છે તે જે વ્યાપક હોય તેને મૂર્તિમાન કેમ કહેવાય ? ને જે મૂર્તિમાન હોય તેને વ્યાપક કેમ કહેવાય ? એ પ્રશ્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, બ્રહ્મ તો એકદેશી છે પણ સર્વદેશી નથી, ને તે બ્રહ્મ તે શ્રીકૃષ્ણ ભગવાન છે તે એકદેશી થકા સર્વદેશી છે, જેમ કોઈક પુરુષે સૂર્યની ઉપાસના કરી હોય પછી સૂર્ય તેને પોતાના સરખી દૃષ્ટિ આપે ત્યારે તે પુરુષ જ્યાં સુધી સૂર્યની દૃષ્ટિ પહોંચતી હોય ત્યાં સુધી દેખે, અને વળી જેમ સિદ્ધદશાવાળો પુરુષ હોય તે હજારો ને લાખો ગાઉ ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરે ને સાંભળે તેમ સાંભળે છે, તેમ જ લાખો ગાઉ ઉપર કાંઈક વસ્તુ પડી હોય તેને મનુષ્યના જેવડા હાથ હોય તેણે કરીને પણ ઉપાડે, તેમ જ શ્રીકૃષ્ણ ભગવાન એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઇચ્છાએ કરીને જ્યાં દર્શન દેવાં હોય ત્યાં દર્શન આપે છે. અને એકરૂપ થકા અનંત રૂપે ભાસે છે અને સિદ્ધ હોય તેમાં દૂરશ્રવણ-દૂરદર્શનરૂપ ચમત્કાર હોય, તો પરમેશ્વરમાં હોય તેમાં શું આશ્ચર્ય છે ! અને ભગવાનને ગ્રંથમાં વ્યાપક કહ્યા છે તે તો મૂર્તિમાન છે તે જ પોતાની સામર્થીએ કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે, એમ વ્યાપક કહ્યા છે, પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી; ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંતકોટિ બ્રહ્માંડમાં ભાસે છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૩।। (૨૧૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં અમે જીવોના કલ્યાણ કરવા રાજા રૂપે ને સાધુ રૂપે પ્રગટ થઈએ છીએ તે જ્યારે રાજા રૂપે પ્રગટ થઈએ ત્યારે (૩૯) લક્ષણે યુક્ત હોઈએ. અને સાધુ રૂપે પ્રગટ થઈએ ત્યારે (૩૨) લક્ષણે યુક્ત હોઈએ, અને અમે મનુષ્યના જેવા દેખાઈએ છીએ પણ અલૌકિક મૂર્તિ છીએ, અને અમારું દર્શન શ્રદ્ધાએ સહિત કરે તેને સમાધિ થાય છે, જેમ શ્રીકૃષ્ણને દર્શને ગોકુળવાસીને થઈ તેમ, અને જેમ ચમકમાં સહજ ચમત્કાર રહ્યો છે તેમ મનુષ્ય રૂપે દેખાતા એવા જે અમે તે અમારે વિષે સહજ જ ચમત્કાર છે ને અમારે સન્મુખ કરવા સારુ અભક્તને તથા પશુઓને પણ સમાધિ કરાવીએ છીએ. (૧) બીજામાં બ્રહ્મ કહેતાં સર્વથી મોટા સાક્ષાત્ શ્રીકૃષ્ણ અમે તે અમે અમારા અક્ષરધામરૂપ એક દેશમાં મૂર્તિમાન રહ્યા થકા સર્વ ઠેકાણે દર્શન આપીએ છીએ અને જેમ સૂર્યના ઉપાસકને સૂર્ય પોતાના સરખી દૃષ્ટિ આપે છે, તેમ અમે અમારા આશ્રિતને અમારા સરખી દૃષ્ટિ આપીએ છીએ, અને અનંત બ્રહ્માંડમાં મૂર્તિમાન દર્શન આપીએ છીએ, એમ વ્યાપક છીએ, પણ અરૂપ થકા વ્યાપક નથી. (૨) બાબતો છે. ચઆમાં બ્રહ્મ નામે તથા શ્રીકૃષ્ણ નામે શ્રીજીમહારાજને કહ્યા છે તેમાં બ્રહ્મ નામનો ખુલાસો (પરથારાના ચોથા પ્રશ્નોત્તરમાં તથા પ્ર ૩૯ના બીજા પ્રશ્નોત્તરમાં) કર્યો છે, અને શ્રીકૃષ્ણ નામનો ખુલાસો (પરથારાના પાંચમા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.
૧ પ્ર. (બીજા પ્રશ્નમાં તથા મ. ૬૪ના બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે પોતાને મૂર્તિમાન વ્યાપક કહ્યા છે, અને (પ્ર. ૭/૧ તથા ૪૧,૪૫, ૬૪/૧, સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં, કા. ૮/૧માં, પં. ૭/૨માં) પોતાના તેજ રૂપે વ્યાપક કહ્યા છે તે મૂર્તિમાન વ્યાપક કેવી રીતે સમજવા ? અને તેજ રૂપે વ્યાપક કેવી રીતે સમજવા ?
૧ ઉ. જીવોના કલ્યાણ કરવાને અર્થે મનુષ્ય રૂપે દર્શન આપે છે તથા પોતાના ભક્તોને વિષે મૂર્તિમાન રહ્યા થકા તે ભક્તોને ધ્યાનમાં આત્માને વિષે દર્શન આપે છે તથા પોતાના ભક્તોને અંત વખતે દર્શન આપે છે તે સાકાર વ્યાપક કહ્યા છે, અને જીવ, ઈશ્વર, બ્રહ્મ તથા અક્ષરાદિક સર્વને વિષે પોતાના તેજ રૂપે કર્મફળપ્રદાતાપણે અંતર્યામીપણે રહ્યા છે, માટે કલ્યાણ કરવાને અર્થે સાકાર વ્યાપક છે, અને કર્મફળ આપવાને અર્થે અન્વય સ્વરૂપ જે તેજ તે દ્વારે વ્યાપક છે. આનો વિસ્તાર (પ્ર. ૪૫ના બીજા પ્રશ્નોત્તરમાં) છે. ।।૧૩।।